બુધવાર, 6 મે, 2009

એક નામને સ્મરવાનું – આદિલ મન્સૂરી

ઝાકળનું મળ્યું જીવન ને સૂર્યમાં ઠરવાનું
કોઈ હવે સમજાવો આદિલને શું કરવાનું

એક પળમાં નીખરવાનું; એક પળમાં વીખરવાનું
આ ફૂલ જે ખીલ્યું તે ખીલીને તો ખરવાનું

સૂરજ તો બધો તડકો ઢોળી દે અહીં સાંજે
ને રોજ સવારે આ કશ્કોલને ભરવાનું

એકલતાની આ કેવી સરહદમાં પ્રવેશું કે
પોતાનાથી વીંટળાઈ પોતાનાથી ડરવાનું

હોડી ન હલેસાં હો સઢ હો ન સુકાની હો
દરિયોય ન દેખાતો ને પાર ઊતરવાનું

ક્યાં મુજને લઈ ચાલી એકાંતભરી રાતો
યાદ આવે સતત તારી ને ખુદને વીસરવાનું

ક્યારેય ન રોકાતો વેગીલો સમય કિંતુ
એક ક્ષણને ઊભી રાખી ને ઊંડા ઊતરવાનું

પગરવ હો ન પડઘા હો, થડકાર ન ધબકાર
એકલતા લપેટીને અવકાશમાં ફરવાનું

સરખા જ બધા લાગે; ના ભેદ કોઈ જાગે
એહરામ પહેરીને મક્કામાં ઊતરવાનું

બીજું તો કશું આદિલ ક્યાં યાદ હવે અમને
હર શ્વાસના ઊંડાણે એક નામને સ્મરવાનું

1 ટિપ્પણી:

  1. ગુજરાતી ગઝલના શિરમોર સમા ગઝલકાર આદરણીય આદિલ મન્સૂરી સાહેબનું ન્યુજર્સી ખાતે દુ:ખદ નિધન થયું છે. તેમના નિધનથી ગુજરાતી ગઝલક્ષેત્રે ન પૂરાય તેવી ખોટ પડી છે.

    જવાબ આપોકાઢી નાખો